સત્તાના સાટકે ફાડે છે બરડા
ને વર્ષોથી ઝાટકે પાડે ઉઝરડા.
લોહીઝાણ આંસુએ રડતાં’તાં ઘરડાં
હાં...હાં...ઈ... સાંબરડા.
ગુંડા શરમાય એવું ગઢવીનું કામ
આતંકનું ધામ બન્યું સાંબરડા ગામ,
જેમ અજગરે લીધા હોય ભરડા
હાં...હાં...ઈ... સાંબરડા.
પાડે બોકાહા તોય ‘બાપુ’ કહીને
લળીલળી આવતાં’તા પાસ.
રજવાડી કેફે હજુ રઝળતાં પાડા
જે માણસને સમજે હજી ઘાસ,
સાંઢ બની બેઠા છે વાછરડા
હાં...હાં...ઈ... સાંબરડા.
ન્યાયની તલવાર પર ચડે હિજરત
ને સલામતીની ચૂંથાતી લાશ,
ક્રાંતિની જ્વાળાઓ ભરખી જાશે
ને ફેલાઈ જાશે ચોમેર લાલાશ,
ધરતી ફાટે ને પાપ પોકારે છબરડા
હાં...હાં...ઈ... સાંબરડા.
સત્તાસ્થાપિત હિત બનતું શોષિત,
ટાઢ તડકો વેથી બેઠા હિજરતી દલિત,
રાજ કરે આજે જ્યાં ભૂત ને પલિત
હરિજનોના હામી બની ગાય છે ગીત
‘પંચાયતી રાજના છીએ અમે ભમરડા’
હાં...હાં...ઈ... સાંબરડા.
No comments:
Post a Comment