તેઓની સમાજવ્યવસ્થાના
અમે બારમા ખેલાડી છીએ અમે.
મુખ, હાથ અને ડુંટીમાંથી
નીકળેલા એ લોકોએ
અમારું સ્થાન પગમાં રાખ્યું છે
ત્યારથી ફિલ્ડીંગ ભરાવે છે એ લોકો.
કૂતરા,બિલાડા કે ઢોર મરે
ત્યારે બોલાવે છે અમને
પીચ સાફ કરવા.
હજારો વર્ષોથી ટોસ જીતતા
આવ્યા છે એ લોકો.
દાવ ડીકલેર કરવાની
ખેલદિલી ગુમાવીને
આઉટ ન થતાં ડાઉટ પડે છે
તેમના એમ્પાયરીંગ પર, દોસ્તો.
અમારા હક્કનો દોડીને
પરિશ્રમથી કરેલો અઘરો કેચ
‘હટાવો’...’હટાવો’ની
ચિચિયારીઓ કરતા
લોહી તરસ્યાં વરૂઓ
ફેંકે છે એસિડના બલ્બો
અને સળગતા કાકડા
પોલ જાહેર કરે છે ‘નો બોલ’
સિલેકશન કમિટિ
વિકાસ અટકાવતો પ્રતિબંધ મૂકી
‘બેક ટૂ પેવેલિયન ‘ કરે છે.
એ લોકોને મન
ક્રિકેટ ફોર ડીસ છે
તેથી જ
શેકે છે રોટલી અમારા પરસેવા પર
અને વાવે છે ગોટલી કોમવાદની
જેમાંથી ફૂટી નીકળે છે
તેમની મેચને ‘વાહ..વાહ’ કરતાં
હજારો કૂપમંડૂક પ્રેક્ષકો
ને તેમની વાહ..વાહમાં
દબાઈ જાય છે અમારી આહ.
બારમા ખેલાડીની
ત્રિરંગી સ્ટમ્પ પર
બોલની જગ્યાએ
ઝાડુ, કાંઠલો અને જોડાને
સન્માન અપાવવા
એ લોકોના
ફાસ્ટ રનીંગ બીટવીન
સત્તા અને શેતાનિયત
જોવા છતાં
રાષ્ટ્રીય મેચમાં
કેપ્ટન કે વાઈસ કેપ્ટનનાં
ખ્વાબ જોતા
આઝાદીના ચાલીસમા વર્ષે
ઊભા છીએ અમે
બાઉન્ડરી બહાર.
No comments:
Post a Comment