કાન્તિલાલ 'કાતિલ'

કાન્તિલાલ 'કાતિલ'

Monday, December 22, 2014

કોલસા કામદાર કન્યા અને કૃષ્ણની પ્રીતનું ગીત


ઠીકરી ઘસીને હું તો ચોખ્ખીચટ્ટ ન્હાઉ તોયે
કોલસાની રજ રોજ ઊડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.


કાળા છો કાન તોયે
રાધાની આંખમાં અંજાયા એમ
કાળી ભભૂતિ જોઈ
મુખ તમે ફેરવો છો કેમ ?
કોલસો બનીને દિલ તોડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.


શેવાળથી સોમલો કોલસા ભરે ને
બખ્ખડીયાનો ભાર બઉ ભારે,
રાધાની હારે રાસની રમઝટમાં
શીદને તું મુજને હંભારે..!!
હો શ્યામ હવે શીદને તું મુજને હંભારે..!!
સીટી વાગે ને ગાડી જાય હાંફતી,
મનડું છટકી ને વાંહે દોડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.


વાંસળી છોડીને કાન ખભે શેવાળ મૂકી
કોલસામાં કોકવાર આવો,
તાંદૂલ છોડીને કાન કો'ક દી અમારી સંગ
ડુંગળી ને રોટલો ખાવો
મથુરાની મોજ તમે માણી લીધી
મજૂરોની મોજ જોવા આવો
તો જાણું કે કાતિલ થયા કોમળ
કોલસો કાળો ને કાળો છે કાન
કાળી મજુરી કર મારી જોડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.

No comments:

Post a Comment