રાંપડીની ધારે ઉતારું હું ખાલ
બગાડું હાથ ને એ થાય માલામાલ.
રોહિદાસ વંશનો અસ્સલ હું રોહિત
ક્યારેય વિચાર્યું ના મારું કોઈએ હિત
ગરીબીમાં મારા થયા છે બેહાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
સદીઓથી વેઠું હું શોષણનો ભાર
બોલાવે કહીને મને જાતનો ચમાર
વર્ણ-વર્ગનાં ભૂસાનો કોણ કરે નિકાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
સુંવાળા પગની સેવામાં રાત’દિ
ભરતો હું ચામડામાં ટાંકા
ચોમાસે ભીંજાયેલ ઘરની દીવાલ
જેમ પડ્યા છે જીવનમાં ફાંકા
બાટાના કાકા તોય બન્યા કંગાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
પરપોટો પલાસ્ટિકનો ફૂટ્યો ફટાક દઈ
ચંપલ બન્યા ને બન્યા જોડા
હાથ ઉદ્યોગ મારા ભાગી રે પડ્યા
જેમ માર્યા હોય કોઈએ હથોડા
કણસે છે આજ મારી ધૂંધળી થઇ કાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
No comments:
Post a Comment