કાન્તિલાલ 'કાતિલ'
Friday, January 2, 2015
Thursday, January 1, 2015
સત રે બોલો નહીંતર મત બોલો
આંગણામાં વરસેલાં કાગળનાં ફોરાંથી
આકાશી ઓકળીમાં ઊઘડી લાલાશ
એની ઠાંસીને ફ્રીજમાં સંઘરી ભીનાશ
ટેપ કર્યા ટોળાના ઘોંઘાટીયાં ગીત
ગાવાનું બાકી એક અસ્પૃશ્ય ગીત
ઝાલીને હું ઊભો હું પડતી પછીત
આલજી રાગોડે સાથે સાળનું સંગીત.
ગોરા રે પીરાની તમને આણ રે સૂડલા
તમે સાત રે બોલોને નહીંતર મત બોલો
બાવન અક્ષર બૂઝે તોય સૂઝે
છિન્ન વિચ્છિન્ન શબ્દોના પ્રાસ
પાણીમાં શોધતો ઘીનો આભાસ
ને લાલ ચટ્ટક બોરમાં લોહીની ખટાશ
નેળિયામાં નાનાકીનો ચૂંથાયેલ દેહ
એની આકાશે ચકરાતી ચીસ
મારો કાપ બચાવો નૈ કોઈ
ફાટી હાલ્યા’સ બઉ નીસ
વાસમાં વરસી’તી ભારેખમ્મ ગાળ
તૂટ્યા’તાં તાર ને તૂટી’તી શાળ
તે ‘દિ ભોંય ભેગી થઇ’તી પછીત
અલ્યા , મારે તો જીવવાનું ગીત
વણ રે વાદળ વરસા રે હુઈ
ઘટડામાં અટક્યા’તા પ્રાણ
કહેવાય નઈ ને સહેવાય નઈ
કશમકશ જીવનની તાણ
તાર તાર થઇ’તી તાણાની ગૂંચ
તૂટેલા ખાલીખમ આયખાને પૂછ
ગુરૂજીની રહેણી કહેણી ને સત પરવાસા
સતના રે ઊગ્યા ત્યાં તો સૂર.
પડ્યું એક બૂંદ મારા ગુરૂજીને વચને
સવા રે કરોડનું એનું મૂલ રે
સૂડલા તમે સત રે બોલો ને
નહીંતર મત બોલો.
તૂરીનું ગીત
મારું નામ સ તૂરી.
અમારી કંઇક તો હમજો મજબૂરી?
વણકર ચમારના રાખતા વહીવંચા
ભવાઈ કરીને પેટ અમે ભરતાથઇ ગઈ વાત હવે પૂરી.
અમારી.
ટીવી., ટેપ ને ફિલમ આઈ
જીવનમાં અમારા લાગી ગઈ લ્હાઈ
ભૂખમરો આયો શું અમે ખાઈ?
બારોટ થઇ હવે કરીએ ભાટાઈ
ગરીબી રેખાની હવે ફરી ગઈ છૂરી.
અમારી.
મોંઘવારી સ સૌથી ભૂંડી
કાળઝાળ થઇ પાછળ પડઅ
શું કરીએ જીવવું પડઅ નઈ તો
છોકરા રઝળઅ, અન રખડઅ
એટલે કરીએ સીએ મજૂરી.
અમારી.
એક જમાનો હતો અમારો
એન્ટ્રી પડતી ભારે.
ખુશ થઈને ખિસ્સાં ભરતા
ચિંતનની કથા વાર્તા કહેતા.
અમારી વાત રહી અધૂરી
અમારી.
વંશપરપરાગત ભવાઈનો
ધંધો પડી ભાંગ્યો
ખેલ હવે છે ખતમ થવામાં
પડદો પડઅ ઈ પહેલાં જાગો
ધંધો આલો અનઅ નોકરી આલો
સરકાર અમારી હટાઈ દો મજબૂરી
મારું નામ સ તૂરી.
ચમારનું ગીત
રાંપડીની ધારે ઉતારું હું ખાલ
બગાડું હાથ ને એ થાય માલામાલ.
રોહિદાસ વંશનો અસ્સલ હું રોહિત
ક્યારેય વિચાર્યું ના મારું કોઈએ હિત
ગરીબીમાં મારા થયા છે બેહાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
સદીઓથી વેઠું હું શોષણનો ભાર
બોલાવે કહીને મને જાતનો ચમાર
વર્ણ-વર્ગનાં ભૂસાનો કોણ કરે નિકાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
સુંવાળા પગની સેવામાં રાત’દિ
ભરતો હું ચામડામાં ટાંકા
ચોમાસે ભીંજાયેલ ઘરની દીવાલ
જેમ પડ્યા છે જીવનમાં ફાંકા
બાટાના કાકા તોય બન્યા કંગાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
પરપોટો પલાસ્ટિકનો ફૂટ્યો ફટાક દઈ
ચંપલ બન્યા ને બન્યા જોડા
હાથ ઉદ્યોગ મારા ભાગી રે પડ્યા
જેમ માર્યા હોય કોઈએ હથોડા
કણસે છે આજ મારી ધૂંધળી થઇ કાલ
રાંપડીની ધારે ઉતારું હું ખાલ.
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
સાડલાનો હંગટો ખોસી ન કાંખમઅ
વાંકી વાળીને હું તો વાળું
આંગણિયા લોકોના ઉજળાં કરું છતાંય
અંધારાં આયખાના ભાળું
માંડ માંડ મહીનોય થાય નઈ પૂરો ન
ઘોંચમાં પડઅ સ મારું ગાડું.
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
દેવાનો ડુંગર સ આભથી ઊંચેરો ન
ધણીના ધરતી પર પગ
કાચી માટી જિમ ઓગળી જાઉં
કરમ કઠણ લખ્યા મગ!
વ્યાજનો તાકો જાય પથરાતો લાંબો ન
ગૂંચવાણી કેમ કરી ફાડું
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
બગલાની પાંખ જેવા ધોળા દેખાય
પીટ્યા ગંદી નજરું એ રોજ જુએ
ફાટેલા ઘાઘરાની આરપાર જોઇને
નજરુંના દોરે એ સીવે.
છેવાળીયા હમજઅ સ એ ઠાકરના લાડુ
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
મહારાજની વાત તો ભૂલી જાં હંધીયે
હવ અ તો પાડ અ સ રોજ ખેલ
ટીલા ટપકાં કરી ઘેર ઘેર ફરતો
ન કહેતો ક સવા રૂપિયો મેલ.
કાનની જનોઈ કેડે વીંટાળી ફાટીમૂઓ
ઇશારે બતાવતો નાડુ.
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
ઈયોની મશકરી પડઅ સ બૌ ભારે
જારે બચુડાનો બાપ એ જુએ.
હાંજે એ ઢીંચીને આવઅ ખાઈ નઈ સુવે
ધોકેણાથી લૂગડાંની જિમ મને ધુવે.
બળી રાતની એ વાત કુને માંડું
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
આભ ફાટ અ ન વેરાઈ જાય છાંટા
ડૂસકાં ભરું ક પાડું ઘાંટા.
અમારી આ આબદા તે જુવઅ નઈ કોઈ
ડગલું ભરું ન ભોંકાય કાંટા
માણહ મટી ન થિયું પાડું
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
Subscribe to:
Posts (Atom)